-
ભાવનગર જિલ્લાના મહુવાના 185 વર્ષ જૂના મંદિરનો મામલો
-
સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવાય
-
મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો થયો આક્ષેપ
-
શરમજનક ઘટના જણાવી સુરતના હરિભક્તોમાં રોષ જોવા મળ્યો
-
મૂર્તિ ખસેડી લેવાતા સત્સંગ સમાજે ઉચ્ચારી આંદોલનની ચીમકી
ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે સુરત સત્સંગ સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.
ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મધરાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે ભારે વિવાદ ઉભો થયો છે. આ ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. સત્સંગ સમાજે સવાલ ઉઠાવ્યો છે કે, જો મૂર્તિ ખસેડવાની શાસ્ત્રોક્ત વિધિ હતી, તો પછી હનુમાનજી, ગણપતિ બાપા અને ભગવાન શિવની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવી? જો આ વિધિ શાસ્ત્રોક્ત અને નિયમસર હતી, તો સમગ્ર મંદિરની મૂર્તિઓ ખસેડાઈ હોત. સત્સંગ સમાજે નિત્યસ્વરૂપદાસ સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે.
સમાજની માગણી છે કે, શાસ્ત્રોક્ત સિદ્ધાંત અને નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવે. જો સ્વામી ખુલાસો ન આપી શકે, તો તેમને જાહેરમાં માફી માગવી પડશે. સત્સંગ સમાજે ચેતવણી આપી છે કે, જો આગામી 8 દિવસમાં નિત્યસ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગે, તો ગઢડા મંદિર ખાતે મોટું આંદોલન કરવામાં આવશે. આ સાથે જ, જો સ્વામી પોતાનો દાવો સાચો સાબિત કરી શકે, તો સત્સંગ સમાજ તેમને દંડવત પ્રણામ કરશે. નહીં તો સ્વામી પાસે માફી માગવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. આ સમગ્ર મામલો હવે સત્સંગી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.