ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક
પાણીની ભારે આવક થતાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું
નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં તંત્ર સજ્જ
નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂરની સ્થિતિ સર્જાય
તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી
ઉપરવાસના ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની ભારે આવક થતાં સુરતમાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે જ નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં ગટરિયા પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
હવામાન વિભાગે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતની આગાહી કરી હતી તે મુજબ વરસાદ નોંધાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છે, ત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.
તો બીજી તરફ, પાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર છે. તેવામાં સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છે, અને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે. ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આ તરફ, સુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્લડ ગેટ બંધ કરતાં પાણી બેક મારી રહ્યા છે. જેથી ગટરીયા પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે. ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે વરસાદના કારણે હોડી બંગલા વિસ્તામાં કાચા મકાન પર વૃક્ષ તૂટી પડ્યું હતું. જોકે, ઘરમાં રહેલા 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘરમાં ફસાયેલા ચારેય સભ્યોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી જતાં ફાયર વિભાગે રાહત અનુભવી હતી.