-
માસુમ બાળકની દુર્લભ બીમારી સામે પરિવાર લાચાર
-
આઠ વર્ષનો ગ્રંથ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાઈ રહ્યો છે
-
આર્થિક રીતે ઝઝુમતા પિતાએ પુત્રની સારવાર માટે માંગી મદદ
-
રાજ્યના મુખ્યમંત્રીને પણ પિતાએ કરી રજુઆત
-
શ્રેષ્ઠીઓ,દાતાઓ,ઉદ્યોગપતિ,સરકા
ર પાસે આર્થિક મદદની કરી અપીલ
સુરતના એક યુવાનના આઠ વર્ષના બાળકને અતિ દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થતા પરિવારની હાલત દયનીય બની છે. આ બીમારીની સારવાર ખૂબ જ ખર્ચાળ છે.હીરામાં મંદી આવ્યા બાદ ખાણીપીણીનો ધંધો કરતા પિતાએ પુત્રની સારવાર માટે મુખ્યમંત્રી તેમજ સમાજના આગેવાનો પાસે મદદની અપીલ કરી છે.
ડિસ્ટ્રોફી નામની આ બીમારી સુરતના રાહુલ શિરોયાના પુત્ર ગ્રંથને થઈ છે,ગ્રંથ જ્યારે પાંચ વર્ષનો હતો,ત્યારે સૌ પ્રથમએ શાળાએ પડી ગયો હતો.અને ત્યારબાદ પરિવાર ગ્રંથને ડોક્ટર પાસે સારવાર માટે લઇ ગયો હતો.જોકે ગ્રંથના સ્વાસ્થ્યમાં કોઈજ સુધારો ન આવતા માતાપિતા ગંભીર બીમારી સામે લાચાર થઈને જુદા જુદા ડોક્ટરો પાસેથી નિદાન કરાવતા હતા,ત્યારે એક ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે ગ્રંથને ખૂબ જ ગંભીર પ્રકારની અને દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ છે.
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીમાં સૌ પ્રથમ પગ જકડાઈ જાય છે. ત્યારબાદ ધીમે ધીમે શરીરના અન્ય અંગો જકડાવા લાગે છે.ધીમે ધીમે શરીરના તમામ અંગો જકડાઈ જાય છે અને તેના કારણે વ્યક્તિ ઉઠી શકતું પણ નથી અને ચાલી શકતું પણ નથી.
ગ્રંથને જ્યારે આ બીમારી થઈ ત્યારે રાહુલભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા,હીરા ઉદ્યોગમાં મંદી આવ્યા બાદ તેમજ ગ્રંથની સારવાર માટે સમય ફાળવી ન શકતા રાહુલભાઈએ ખાણીપીણીનો વ્યવસાય શરૂ કર્યો અને અબ્રામા ખાતે વડાપાવની લારી શરૂ કરી હતી. ત્યારબાદ ગ્રંથને અલગ અલગ ડોક્ટરો પાસે બતાવવા માટે લઈ જતા હતા,તેમજ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રિપોર્ટ તેમજ દવાઓ ચાલતી હતી.આ દવાનો ખર્ચો પણ ખૂબ જ વધુ પડતો થતો હતો.ગ્રંથ શાળામાં પહેલુ ધોરણ પૂર્ણ કરી બીજા ધોરણમાં માત્ર આઠ જ દિવસ ભણી શક્યો છે.જ્યારે તે શાળાએ ગયો ત્યારબાદ તે ઉભો થઇ જ ના શક્યો આ બીમારીના કારણે આ માસુમ બાળકનું ભણતર પણ અટકી ગયું છે.
ગ્રંથ છેલ્લા ત્રણ વર્ષથી આ બીમારીના કારણે પથારી વશ થઈ ગયો છે,એ ચાલી શકતો નથી તેની તમામ રોજીંદી ક્રિયાઓ પણ પથારીમાં જ કરવી પડે છે.તેના માતા-પિતા ગ્રંથને લઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે.રાહુલભાઈ વહેલી સવારે પોતાના વ્યવસાયે નીકળી જાય છે. જ્યારે રાતે ઘરે આવે ત્યારે તેના બાળકનું મોઢું જુએ છે.રાહુલભાઈ સવારથી સાંજના સાત વાગ્યા સુધી વડાપાવ વેચે છે,જ્યારે દવાનો ખર્ચો વધુ થવાથી રાત્રિના સમયે લીંબુ સોડા વેચવા જાય છે,આમ રાહુલભાઈના ઘરની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે.
થોડા સમય પહેલા જ ગ્રંથનું નિદાન થયું જેમાં અમેરિકાથી દર અઠવાડિયે એક ઇન્જેક્શન મંગાવી સતત બે વર્ષ સુધી મારવું પડે તેમ છે. જેની એક અઠવાડિયાના એક ઇન્જેક્શનની કિંમત પાંચ લાખ રૂપિયા થાય છે.આમ બે વર્ષનો ખર્ચ 4 કરોડ રૂપિયા જેટલો થાય છે.આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા રાહુલભાઈએ અનેકો પ્રયાસો કર્યા છે તેમજ દિવસ રાત મહેનત પણ ખૂબ જ કરી છે. પરંતુ બાળકના દવાનો ચાર્જ ખૂબ જ વધુ થતો હોવાથી તેમણે લોકો પાસે પણ મદદની અપીલ કરી છે.રાહુલભાઈએ પુત્રની સારવાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને લેખિતમાં રજૂઆત કરી હતી.અને આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તરફથી કોઈ રાહત આપવામાં તેવી અપીલ કરી હતી.મુખ્યમંત્રી તરફથી થોડા જ દિવસમાં આ બીમારીને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વનું પગલું ભરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ ઉપરાંત રાહુલભાઈ શિરોયાએ લોકો પાસે આર્થિક સહાયની અપીલ કરી છે.સમાજના શ્રેષ્ટી દાતાઓ ઉદ્યોગપતિ અને સરકાર પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા માટે તેમણે લોકોને અપીલ કરી હતી.