Connect Gujarat
સુરત 

સુરત : તબેલાની આડમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાય, રૂ. 14.37 લાખનો મુદ્દામાલ જપ્ત...

સુરત જિલ્લાના કીમ પોલીસે કુડસદ ગામે તબેલાની આડમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

X

સુરત જિલ્લાના કીમ પોલીસે કુડસદ ગામે તબેલાની આડમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ઘીમાં પામોલીન તેલનું ભેળસેળ કરીને કામધેનુ શુદ્ધ ઘીના નામથી પેકિંગ કરીને વેચાણ થતું હતું. જેનો પર્દાફાશ કરી પોલીસે રૂપિયા 14.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાની કીમ પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી છે. કીમ પોલીસને બાતમી મળી હતી કે, કુડસદ ગામની સીમમાં ભાથીજી મંદિરની સામે આવેલ જગ્યામાં મેહુલ પટેલ નામનો ઇસમ તબેલાની આડમાં બનાવેલ ફેક્ટરીમાં ડુપ્લિકેટ ઘી બનાવી તેનું પેકિંગ કરી વેચાણ કરી રહ્યો છે, ત્યારે ચોક્કસ બાતમી આધારે કીમ પોલીસે રેડ કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને જાણ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, ફેક્ટરીનો માલિક મેહુલ પટેલ માર્કેટમાંથી જથ્થાબંધ વનસ્પતિ ઘી તૈયાર લાવતો હતો. અને તે વનસ્પતિ ઘીમાં પોતાની ગૌ શાળામાં બનતા માખણમાંથી તૈયાર થયેલ ઘી અને તેની સાથે પામોલીન તેલ ઉમેરતો હતો. બાદમાં ઘી ચોખ્ખું દેખાઈ તે માટે કલર ઉમેરી તેને ગરમ કરી પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરતો હતો. જે ડબ્બા પર કામધેનુ ડેરી ફાર્મ શુદ્ધ દેશી ઘીના સ્ટીકરનું પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતો હતો. જે બનાવેલ ડુપ્લિકેટ ઘીના અલગ અલગ નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો કિમ પોલીસે સ્થળ પરથી રૂપિયા 14.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story