સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ એક શો-રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ ઇશિતા ફેશન શો-રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, શો-રૂમમાં આગ લાગતાં જ આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારબાદ ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ સાથે જ આગની ઝપેટમાં લાખો રૂપિયાનો માલ-સામાન પણ બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.