ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખનું ઉમદા કાર્ય
દિવ્યાંગ માંગુકિયાને મળી હતી સોનાની લક્કી
પોતાના ઉમદા સંસ્કારિતાનો આપ્યો પરિચય
સોનાની લક્કી મૂળ વ્યક્તિને કરી પરત
ડાયમંડ વર્કર યુનિયનની ટીમે કર્યું સન્માન
સુરત ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયાને રોડ પરથી મળેલી રૂપિયા 4 લાખની કિંમતની સોનાની લક્કી તેઓએ મૂળ વ્યક્તિને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
સુરતના યુવકે રોડ પરથી મળેલી 4 લાખની કિંમતની સોનાની લક્કી પરત કરીને પ્રમાણિકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રમાણિકતાનું ઉદાહરણ આપનાર સુરતના ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયા છે. તેમણે પોતાની પ્રમાણિકતા અને ઉમદા કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે. તેમની આ ઈમાનદારી બદલ ડાયમંડ વર્કર યુનિયનની ટીમે રૂબરૂ મુલાકાત લઈને તેમનું સન્માન કર્યું હતું.
દિવ્યાંગ માંગુકિયાને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યાલયની સામેના રસ્તા પરથી એક સોનાની લક્કી મળી આવી હતી. આ લક્કીની બજાર કિંમત આશરે 4 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.દિવ્યાંગભાઈએ પોતાની ઉમદા સંસ્કારિતાનો પરિચય આપીને લક્કીના મૂળ માલિકને શોધી કાઢવાનું પ્રામાણિક અભિયાન શરૂ કર્યું હતું.
તેમણે તુરંત જ જે દુકાન પાસેથી લક્કી મળી હતી, ત્યાંના સંચાલકને જાણ કરીને આ અંગેની માહિતી આપી હતી. અને કોઈ વ્યક્તિ શોધતા-શોધતા આવે તો સંપર્ક કરવા માટે જણાવ્યુ હતું. તેમજ યોગ્ય માહિતી અને ખાતરી કર્યા બાદ વસ્તુ પરત કરવા માટે જણાવ્યુ હતું. બીજી તરફ, જેની લક્કી ખોવાઈ હતી તે અશ્વિન કિકાણી પણ પોતાની કિંમતી વસ્તુની શોધમાં નીકળ્યા હતા. તેઓ શારદા વિધાલયની સામે આવેલી તે દુકાન પર પહોંચ્યા, જ્યાં તેમણે પૂછપરછ કરી હતી.અને સોનાની લક્કી અશ્વિન કિકાણીને પરત કરીને પ્રામાણિકતાની મિસાલ આપી હતી.