સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસ મામલે હત્યારા ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો, ત્યારે આજની સુનાવણી પૂર્ણ થતાં આવતીકાલે અંતિમ દલીલો બાદ હત્યારા ફેનિલને સજા સંભળાવવામાં આવશે. જોકે, દોષિતને આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થવાની શક્યતા વર્તાય રહી છે.
સુરતમાં પાસોદરામાં ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ હત્યારાને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી.
આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત તા. 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે તા. 16 એપ્રિલ જાહેર કરી હતી. જોકે, બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી હતી, જેથી આજે ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી માગ કરવામાં આવી છે. ગ્રીષ્માની હત્યા મામલે કોર્ટ દ્વારા 69 દિવસમાં ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.
પાસોદરામાં નિસહાય હથિયાર વગરની યુવતીને મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે કહ્યું કે, જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? જોકે, કોર્ટે પૂછેલા પ્રશ્નોનો એક પણ વખત ફેનિલે જવાબ આપ્યો ન હતો. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે, આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
સરકાર પક્ષે પણ સતત 3 દિવસ દલીલ કરી હતી, જેમાં હત્યા ઉશ્કેરાટમાં નહીં, પરંતુ આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યું હતું. આરોપીને માર મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કર્યું હતુ. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું હતું કે, સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે, અન્યને ઇજા પહોંચાડી જીવ લે, આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે, ત્યારે હાલ તો દોષિત ફેનિલને આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થવાની શક્યતા વર્તાય રહી છે.