-
ડીંડોલી વિસ્તારમાં આવેલ ઓમ નગરની ઘટના
-
મોડીરાત્રે સ્થાનિકોએ એક તસ્કરને ઝડપી પાડ્યો
-
લોકોએ તસ્કરને ઝડપી પાડી બરાબરનો ઢોર માર્યો
-
સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા
-
અત્યારસુધી કોઈએ ફરિયાદ નહીં નોંધાવી : પોલીસ
સુરત શહેરના ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં ગત મોડીરાત્રે લોકોએ એક ચોરને ઝડપી પાડી ઢોર માર્યો હતો. જે બાદ પોલીસના હવાલે કર્યો હતો, ત્યારે હાલ તો સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા ઓમ નગરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના વધી હતી. આ દરમિયાન ગત તા. 10 નવેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાના અરસામાં લોકોએ એક વ્યક્તિને ચોર સમજીને પકડી લીધો હતો. લોકોને આશંકા હતી કે, તે ચોરી કરવા માટે આવ્યો છે. હાથમાં ટોર્ચ, લાકડી લઈને લોકો તે વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હતા, જ્યારે ચોર ઝડપાયો ત્યારે લગભગ 20થી 25 લોકો એકત્ર થઈ ગયા હતા. જે હાથમાં આવે તેનાથી લોકો ચોરને મારી રહ્યા હતા. આ વચ્ચે ચોરના હાથમાં પણ લાકડી જોવા મળી હતી, અને તે પણ સ્વબચાવ માટે લોકો પર લાકડી વડે હુમલો કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ચોરને પકડી લોકોએ સ્થાનિક પોલીસને જાણ પણ કરી હતી. જોકે, આ મામલે અત્યારસુધી કોઈએ ફરિયાદ નહીં નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.