આંતરરાષ્ટ્રીય ગાંજાના નેટવર્કનો પર્દાફાશ
બેંગકોકથી લાવવામાં આવ્યો હતો ગાંજો
હાઈબ્રીડ ગાંજો સાથે એક મુસાફરની ધરપકડ
1.41 કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત
પોલીસે ઘટનામાં સઘન તપાસ શરૂ કરી
સુરત એરપોર્ટ પર બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો જઈને આવેલા મુસાફિરની ધરપકડ કરવામાં આવી છે,અને તેની પાસેથી રૂપિયા 1.41 કરોડ ઉપરાંતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત શહેર ડીસીબી, કસ્ટમ્સ અને CISFએ સંયુક્ત કામગીરી કરી ઝડપી લીધો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં 4.055 કિલોગ્રામ વજનના હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 1 કરોડ 41 લાખ 92 હજાર 500 આંકવામાં આવી હતી.
સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલા જાફર અકબર ખાન ની બેગની તપાસ કરતા તેની અંદર રાખેલા બ્લેન્કેટ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા.સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે.