/connect-gujarat/media/post_banners/99eba42bad163d151a5ff1c850a0ed9bf1c35105d74bd69aaedaa7d9d7842e4c.webp)
સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકા દ્વારા નાંદીડા ડિસપોઝલ સાઈટ ખાતે રૂ. 89 લાખના ખર્ચે એનિમલ ક્રીમીનેશન મશીન મુકવામાં આવનાર છે. જેનું બારડોલી વિધાનસભના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના બારડોલી નગરના નાંદીડા ગામે મૃત પશુઓના નિકાલ માટે સ્મશાનગૃહ બનાવવામાં આવશે. જેમાં 8 ટનની ક્ષમતા સાથેનું એનિમલ ઇન્સ્યુલેટર મશીન મુકવામાં આવશે. જેમાં મૃત પશુ-પક્ષીઓનો નિકાલ થશે. આ સુવિધા કરવા પાછળનું મુખ્ય કારણ પશુપાલકોને દફન માટે જગ્યાનો અભાવ હોવાથી નગરની ખાડીમાં નાના મૃત પશુઓ ફેંકવા મજબૂર બનતા હતા
જેના કારણે દુર્ગંધ ફેલાતી હતી. જેનો ઉકેલ લાવવા બારડોલી નગરપાલિકાના નાંદીડા ગામમાં આવેલ ડમ્પીંગ સાઈટમાં મૃત પશુઓના યોગ્ય નીકાલ માટે રૂ. 89 લાખના ખર્ચે સ્મશાન બનાવશે. જેમાં 70 લાખનું મશીન અને 19 લાખનો શેડ બનાવવામાં આવશે. મૃત પશુઓના નિકાલ માટે મશીનની સગડી 2 મીટર પહોળી અને 2.50 મીટર લંબાઈની રહેશે. ગેસની સુવિધા મળતા જ મૃત પશુઓનો દોઢ કલાકમાં નિકાલ થશે. આ યોજના 2020-21 વર્ષના 15મા નાણાંપંચ હેઠળ ગુજરાતમાં સૌપ્રથમ બારડોલીના નાંદીડા ખાતે કરવામાં આવનાર છે, ત્યારે બારડોલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના શાસકો, કોર્પોરેટરો, અધિકારી તેમજ મોટી સંખ્યામાં નાંદીડા ગામના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.