સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણાની ઉપસ્થિતિ
પત્રકાર પરિષદ સંબોધતા દિવ્યા મદેરણાના આકરા પ્રહાર
કેન્દ્રમાં ભાજપ સરકારની નીતિ-કાર્યપદ્ધતિ પર આકરા પ્રહાર
નેશનલ હેરાલ્ડ કેસને લઈને ધારાસભ્યએ સરકારને ઘેરી
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ સુરતની મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ભાજપ સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ નેશનલ હેરાલ્ડ કેસથી લઈને મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલી યોજનાઓ મુદ્દે પણ સરકારને ઘેરી હતી.
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણા સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. સુરત સર્કિટ હાઉસ ખાતે તેઓએ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદ સંબોધી હતી. દિવ્યા મદેરણાએ જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડનો કેસ એ બીજું કંઈ નહીં પણ ભાજપ સરકારની 'રૂલ ઓફ રિવેંજ' છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સરકાર બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરીને ગાંધી પરિવારને નિશાન બનાવી રહી છે, અને જનતાનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકાવી રહી છે. તેમણે મનરેગા જેવી યોજનાઓમાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવાના પ્રયાસોની આકરી ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, "વડાપ્રધાન મોદી પોતે ગાંધીજીની ભૂમિ ગુજરાતથી આવે છે, તેમ છતાં તેમની સરકાર સતત રાષ્ટ્રપિતાના વારસા અને તેમના નામ સાથે જોડાયેલી યોજનાઓને નબળી પાડવાનું કામ કરી રહી છે. આ દેશના આદર્શોનું અપમાન છે. તો બીજી તરફ, બિહારની ઘટના અને મહિલાઓ સાથેના વર્તન અંગે પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. લોકશાહીમાં કોઈ પણ મહિલાના પહેરવેશ કે, મર્યાદા પર ટિપ્પણી કરવી એ અશોભનીય છે, ત્યારે ભાજપના નેતાઓ હંમેશા મહિલા વિરોધી માનસિકતા ધરાવતા હોવાના રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ આક્ષેપ કર્યા હતા.