/connect-gujarat/media/media_files/2025/08/29/srt-nnenu-2025-08-29-16-43-02.png)
સુરતના કતારગામમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના 3000 પાનાના રિપોર્ટ અને મોબાઈલ ફોનની ચેટ્સના આધારે જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષિકા અને એક કિશોર વચ્ચે શારીરિક સંબંધો હતા અને ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. આ કેસમાં હવે બળાત્કાર અને ગર્ભપાત કરાવવાની કલમો ઉમેરવાની માંગણી કરવામાં આવી છે.
મૂળ ફરિયાદ પક્ષના વકીલે ગુરુવારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષિકાનો મોબાઇલ ફોન તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો હતો. FSLના રિપોર્ટમાં જી-મેઇલ મારફત થયેલી વાતચીતની ચેટ્સ સામે આવી છે.આ ચેટ્સમાં મૃતક શિક્ષિકા અને કિશોર વચ્ચેના શારીરિક સંબંધો, ગર્ભધારણ અને ગર્ભપાત કરાવવા અંગેની વિગતો હતી.
રિપોર્ટ મુજબ, મૃતક શિક્ષિકા અને સગીરે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે શિક્ષિકા ગર્ભવતી બની હતી. ત્યારબાદ ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મૃતક શિક્ષિકાને નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
આ નવા ખુલાસા બાદ મૂળ ફરિયાદીના વકીલે કોર્ટમાં કિશોર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવાની કલમો ઉમેરવા માટે અરજી કરી છે. આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. આ નવા તથ્યો બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે અને આરોપી સામે કડક કાર્યવાહીની શક્યતાઓ વધી ગઈ છે.