/connect-gujarat/media/post_banners/185ad0c682a6619812e9bace63cbd2c000e3cf729457d66b2c6a0b64c5e37e9f.jpg)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ બેન્ક ATMમાં તસ્કરોએ પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, CCTV ફૂટેજમાં કેદ થયેલ અને રફુચક્કર થનાર 2 તસ્કરોની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
સુરતના પાંડેસરા સ્થિત શાસ્ત્રીનગરમાં ICICI બેન્કનું ATM આવેલું છે, જ્યાં મોડી રાત્રિના અરસામાં 2 ઈસમોએ ATMમાં પ્રવેશ કર્યો હતો. ATM નીચે રહેલ સેફટીડોર ખોલી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તસ્કરો ચોરી કરવામાં સફળ થયા ન હતા, અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી, ત્યારે બેન્કના એમ.એસ.એફના કંટ્રોલ રૂમ થકી પાંડેસરા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં પાંડેસરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરતાં ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર પાંડેસરાના વડોદ ગામ નજીક રહેતા ધીરુસિંગ લક્ષ્મણસિંગ રાજપૂત અને સંજીવ જગદીશપ્રસાદ ચૌધરીને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે એસીપી ઝેડ.આર.દેસાઈએ જાણાવ્યું હતું કે, ATMમાં કેટલાક ઈસમોએ બિનધિકૃત રીતે પ્રવેશ કરી ATMને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ATM સ્થળ નજીકથી 2 આરોપીઓને પકડી પાડ્યા હતા, ત્યારે હાલ તો પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.