આજરોજ અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે સુરતની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી હતી
અક્ષય તુતીય એટલે કે અખાત્રીજનો દિવસ હિન્દૂ સમાજમાં મહત્વનો માનવામાં આવે છે ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના કાળના પગલે લોકો આ દિવસે ખરીદી કરી શક્યા ન હતા ત્યારે અખાત્રીજના શુભ દિવસને લઈને સુરતની જ્વેલરી સોનાની ખરીદીમાં તળાપડી જોવા મળી હતી.મહત્વની વાત એ છે બે વર્ષ બાદ યુક્રેન અને રશિયાના યુદ્ધને પગલે સોના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. સાથે જ લગ્નસરાની સિઝન હોવાથી લોકોએ શુકનના સોનાની ખરીદી કરી હતી.
અખાત્રીજના ધાર્મિક મહત્વની વાત કરીયે તો અક્ષયનો અર્થ છે, જેનો ક્યારેય ક્ષય થાય નહીં, જે સ્થાયી રહે. આ દિવસ દરેક શુભ કામની શરૂઆત કરવા માટે ખાસ માનવામાં આવે છે. મહાભારત પ્રમાણે આ દિવસે સૂર્ય દેવતાએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું, જેમાં ક્યારેય અનાજ ખાલી થતું નથી.આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. તેમના આયુષ્યનો ક્ષય થયો નહીં. એટલે અખાત્રીજને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે ત્રેતાયુગની શરૂઆત હોવાના કારણે તેને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે તેને નવી શરૂઆતનું વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે.