-
મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજાનો સપ્લાયનો પર્દાફાશ
-
સરોલી પોલીસે એક શખ્સની કરી ધરપકડ
-
પોલીસે 998 ગ્રામ હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો
-
પોલીસે કિંમત રૂ.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
-
ગાંજો મોકલનાર અને મંગાવનાર બે આરોપી વોન્ટેડ
સુરતમાં સ્કૂલ બેગમાં સંતાડીને હાઈબ્રિડ ગાંજો ઘૂસાડવાના ખેલનો પર્દાફાશ પોલીસે કર્યો છે.મુંબઈથી નશા કારક પદાર્થ લઈને આવતા યુવકની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે રૂપિયા 30 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરત સરોલી પોલીસે મુંબઈથી સ્કૂલ બેગમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઘુસાડવાની કરતૂતનો પર્દાફાશ કર્યો છે,સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.આર.વેકરીયા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. આ દરમિયાન નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર પોલીસકર્મીને બાતમી મળી હતી કે, હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે. જેથી, નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ ચાર રસ્તા પાસે અંબા બા કોલેજના ગેટની નજીક કડોદરા-સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી.
સારોલી પોલીસે બાતમી આધારે આરોપી કેનીલ સુભાષભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સ્કૂલ બેગમાંથી માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજો જેનુ કુલ વજન 998 ગ્રામ અને કુલ કિંમત રૂપિયા 29.94 લાખનો મળી આવ્યો હતો. હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનીલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા શખ્સ અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશ સોની બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.