કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરાતા તંત્ર કામે લાગ્યું
ખાડીપૂરની સમસ્યા કાયમી હલ કરવા આયોજન
નિરાકરણ માટે રાજ્ય સરકાર મેદાનમાં આવી
નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી
ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવા નિર્દેશ
સુરત શહેરમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાય હતી. જેમાં ખાડીપૂર અને જર્જરિત બ્રિજ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
સુરત શહેરમાં ખાડીપૂરની વારંવારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર હવે સક્રિય થઈ છે. સુરત ખાતે રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય 3 બેઠક યોજાય હતી. આ બેઠકમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા, સુરત અને ગ્રામ્ય પોલીસ, સિંચાઈ વિભાગ, મેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન ખાડીપૂર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રી કનુ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી હતી. ખાડીપૂર ઉપરાંત, કનુ દેસાઈએ રોડ અને બ્રિજની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. જેમાં કયા બ્રિજ કે, રોડ જર્જરિત છે. તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી તેના સમારકામ અથવા પુન:નિર્માણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધ્યા છે, તેના કારણે પાણીનું સ્તર વધ્યું છે. જે ખાડીપૂરનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારમાં એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. વધુ વરસાદ પડે તો કેવી રીતે નદીના પાણીને અટકાવી શકાય, અને શહેરને બચાવી શકાય, તે માટેનું લાંબા ગાળાનું આયોજન અધિકારીઓને સાથે રાખીને કરાશે.