શહેર - જિલ્લામાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત
શુદ્ધ ઘી’ના નામે નકલી ઘી’નું કરવામાં આવતું હતું વેચાણ
લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવાનું કારખાનું ઝડપાયું
પોલીસ, પાલિકા, ફૂડ સેફ્ટી ટીમે સંયુક્ત રીતે છાપો માર્યો
319 કિલો નકલી ઘી સહિત રૂ. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં રૂ. 2.11 લાખના મુદ્દામાલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2025’માં સ્વચ્છતા સર્વેક્ષણ-2024ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ(નવી કેટેગરી)માં બીજો રેન્ક આપવામાં આવ્યો હતો. જોકે, આ સુપર સ્વચ્છ શહેર હવે નકલી ચીજવસ્તુઓનું હબ બની ગયું છે. સુરતમાંથી ફરી એકવાર નકલી ઘી ઝડપાયું છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખી સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરીમાં પોલીસે 319.54 કિલો ભેળસેળયુક્ત ઘી (કિંમત રૂ. 79,885), 856 કિલો વેજીટેબલ અને સોયાબીન ઓઈલ (કિં.રૂ. 1,25,600), એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ. 2,11,865/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ નકલી ઘી બનાવનાર એક શખ્સની પણ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.