Connect Gujarat
સુરત 

સુરત : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવરાત્રીની મંજૂરી હોવા છતાં પોલીસનું દમન..!

X

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઉમરા પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે અટકાયત કરી હતી. જેથી રોષે ભરાયેલા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવાયો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રીની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં માત્રને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલ અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું. ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં. બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે, પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા, ત્યારે ઉમરા પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે અટકાયત કરી હતી. જેમાં 4 વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી ઘસડીને ઉમરા પોલીસ મથકે લઇ જવાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત ABVPના સભ્યો પોલીસ મથકનો ઘેરાવો કરવા પહોંચ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોલીસ મથકે પહોંચી પોલીસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, મંજુરી સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો પોલીસે ખોટી રીતે દખલબાજી કરી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું.

Next Story