સુરત શહેરમાં હજુ તો વરસાદની શરૂઆત થઇ છે, ત્યાં જ રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે કેટલાક ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરતમાં છેલ્લા 2 દિવસથી સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત રહ્યું છે. ગત રોજ સવારે 6થી આજના 10 વાગ્યા સુધીમાં ઉધનામાં 8 અને વરાછામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. વરસાદના કારણે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝ-વે ઓવર ફ્લો થવાના આરે છે. હજુ વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝ-વે ભયજનક સપાટી વટાવી શકે તેમ છે, જેના પગલે પાલિકા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ બેસી જવાની તેમજ રોડમાં ઠેર ઠેર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી છે. અહીં રોડ એટલી હદે બિસ્માર હાલતમાં થઇ ગયા છે કે, અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે. એટલું જ નહીં, ભારે વરસાદના કારણે ઉધના ગરનાળામાં પાણી ભરાઈ જતાં અનેક વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 2 દિવસ પડેલા વરસાદે જ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી છે. જેથી પહેલા જ વરસાદમાં રોડ ધોવાઈ જતાં વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.