સચિન GIDCમાં મોડી રાતે હત્યાનો બનાવ
21 વર્ષીય ગગન ગૌરવ નામના યુવકની હત્યા
પ્રેમિકાની છેડતી કરતા યુવકોને આપ્યો હતો ઠપકો
ઠપકાની રીસ રાખીને પ્રેમી યુવકની કરી હત્યા
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
સુરત સચિન GIDC વિસ્તાર ખાતે પ્રેમિકાને તાકીને જોવાની બાબતે શરૂ થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં એક યુવકની હત્યા થઈ ગઈ હતી. ઘટનામાં મૃતક ગગન દાસના નામના યુવક પર ચપ્પુથી વારાફરતી ઘા ઝીંકી હત્યા કરનાર બે મુખ્ય આરોપીઓને સચિન પોલીસે ઝડપી લીધા છે.
ગગન દાસના પ્રેમિકા સાથે સચિન GIDC વિસ્તારમાં બેઠો હતો. એ સમયે ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિગવાન નામના બે વ્યક્તિઓ ત્યાંથી પસાર થતાં ગગન દાસનાની પ્રેમિકાને સતત તાકી જોવા માંડ્યા હતા.અને વિડીયો બનાવવા માંડ્યા હતા. આ બાબતને લઈ ગગન દાસનાએ બંનેને ઠપકો આપ્યો હતો.આ વાત આરોપીઓને લાગી આવી હતી અને બંને વચ્ચે ઝઘડાની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના એ દિવસે જ સમાપ્ત થઈ ગઈ એવી લાગણી સૌને થઈ હતી, પરંતુ આરોપીઓ મનમાં રોષ રાખીને બેઠા હતા.
બીજા જ દિવસે આરોપીઓએ ગગન દાસનાને નિશાન બનાવી દીધો હતો. તે સમયે ગગન નજીકમાં જ હતો ત્યારે બંને આરોપીઓએ તેને ઘેરી લીધો અને આંતરી તથા ચપ્પુ જેવા ઘાતક હથિયારોથી વારાફરતી ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગગનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા બાદ બંને આરોપી ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ સચિન પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 30 જેટલા CCTV ફૂટેજ ખંગાળ્યા હતા. આસપાસના વિસ્તાર, રોડ, ગલીઓ અને ભાગી છૂટવાના રસ્તા સુધીના CCTVનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે બાદ ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિગવાનને પકડી પાડવામાં સફળતા મળી હતી. હાલ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.