સુરતમાં હીરા કારખાનામાં કામ કરતા રત્નકલાકારો આર્થિક ભીંસમાં સપડાયા છે, ત્યારે તેઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે અને આજે બીજા દિવસે પણ ડાયમંડ વર્કર પોતાની માંગણી પર અડગ રહ્યા હતા.
હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી.
તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે અને હડતાલના પ્રથમ દિવસે કતારગામાંથી કાપોદ્રા હીરા બાગ સુધીની ‘રત્નકલાકાર એકતા રેલી’ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા.
તો બીજા દિવસે પણ રત્નકલાકારોની હડતાલ યાથવત રહી છે, અને ડાયમંડ વર્કર યુનિયન પોતાની માંગણીઓ સાથે અડગ રહયા છે તેમજ કામગીરીથી અળગા રહેતા હીરા ઉદ્યોગ પર તેની અસર વર્તાય હતી.