Connect Gujarat
સુરત 

સુરત : સ્માર્ટ સીટીને કાળી ટીલી, પાણી માટે ટેન્કર પર નિર્ભર લોકો

શિવાજી નગર વિસ્તારના રહીશોની હાલત કફોડી, માળખાકીય સુવિધાઓના અભાવે પડી રહી છે હાલાકી.

X

સુરત ભલે સ્માર્ટ સીટી બનવા તરફ આગળ વધી રહયું હોય પણ સિકકાની બીજી બાજુ પણ છે. સુરતના શિવાજીનગર વિસ્તારમાં હજી પણ માળખાકીય સુવિધાનો અભાવ વર્તાય રહયો છે જેના કારણે લોકોની હાલત કફોડી બની છે.

સ્માર્ટ સિટી સુરતમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત દેખાઈ રહ્યા છે. પાણીની લાઈન ન હોવાથી ટેન્કર મારફતે પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે. સરકાર ભલે ઘર ઘર નળનું સુત્ર આપતી હોય પણ શિવાજી નગરમાં તો ઘર ઘર પાણીનો કકળાટ જોવા મળી રહયો છે. આ વિસ્તારની સોસાયટીઓમાં રસ્તાઓ બન્યાં નથી ત્યાં સ્ટ્રીટલાઇટની તો વાત જ શું કરવી... સ્થાનિક રહીશોએ માળખાકીય સુવિધાઓ પુરી પાડવા નગરસેવકો તથા મનપાના અધિકારીઓને વારંવાર રજુઆતો કરી છે પણ આજદિન સુધી કોઇ પરિણામ આવ્યું નથી. સ્થાનિક રહેવાસી તારાબેને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા 6 મહિના પહેલા શૌચાલય બનાવી દેવામાં આવ્યાં છે પણ ડ્રેનેજલાઇનનું જોડાણ આપવામાં નહિ આવતાં શૌચાલયો બંધ છે. આ ઉપરાંત પાણીનું ટેન્કર કયારે આવશે તે નકકી નહિ હોવાથી અન્ય વિસ્તારોમાં પાણી ભરવા માટે જવું પડે છે.

સ્માર્ટ સિટીમાં ત્રીજો અને સ્વચ્છ ભારતમાં 2 ક્રમ મેળવનાર સુરત મહા નગરપાલિકાની સ્માર્ટ સિટીમાં આજે પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે શહેરના ડિંડોલી વિસ્તારમાં ગાયત્રી નગર, ગાંધીનગર પ્રિયંકા નગરમાં 20 વર્ષ બાદ પાણીની લાઈન નાખવામાં આવી નથી. આજે પણ લોકો અન્ય પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. રાજયમાંથી ટેન્કરરાજ નાબુદ થયું હોવાના ભાજપ સરકારના દાવાને મહાનગરપાલિકાના સત્તાધીશો ખોખલો બનાવી રહયાં છે. સ્માર્ટ સીટીના સોનેરી શમણા બતાવનારા સત્તાધીશો આ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ લાઇનનું જોડાણ આપે તોય બહુ છે. ચુંટણીના સમયે મત માંગવા આવતાં નેતાઓ આ વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી આપે તોય ઘણું છે.

Next Story