Connect Gujarat
સુરત 

સુરત : ટેન્કરે કારને 500 મીટર સુધી ઢસડી, ડમ્પર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત..!

પલસાણા નજીક ટેન્કરના ચાલકે એક કારને 500 મીટર ઢસડી હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. તો બીજી તરફ, માંગરોળના સાવા પાટિયા નજીક ડમ્પર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો

સુરત : ટેન્કરે કારને 500 મીટર સુધી ઢસડી, ડમ્પર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત..!
X

સુરત જીલ્લામાં આજનો મંગળવાર જાણે અમંગળ સાબિત થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પલસાણા નજીક ટેન્કરના ચાલકે એક કારને 500 મીટર ઢસડી હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. તો બીજી તરફ, માંગરોળના સાવા પાટિયા નજીક ડમ્પર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 2 લોકોના મોત નીપજ્યા હતા.

સુરત જીલ્લાના પલસાણા નજીક નેશનલ હાઇવે ઉપર ટેન્કરે કારને ભયંકર રીતે અડફેટે લીધી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ટેન્કરના ચાલકે એક કારને 500 મીટર જેટલી દૂર સુધી ઢસડી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલકે ગભરાઈ જઈને બ્રેક મારવાની કોશિશ કરી હતી. પરંતુ બ્રેક ન લાગતા ટેન્કર ચાલકે કારને આગળના ભાગેથી 500 મીટર દૂર સુધી ઢસડી હતી. એટલું જ નહિ, ટેન્કર ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલ એક મોટરસાઈકલને પણ અડફેટે લીધી હતી. જોકે, કાર ચાલક અને ટેન્કર ચાલક બન્ને એકબીજાના સગા-સંબંધી થતા હોવાના કારણે પોલીસ ફરિયાદ ટળી હતી, ત્યારે હાલ તો આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

તો બીજી તરફ, સુરત જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માંગરોળના સાવા પાટિયા નજીક ગત મોડી રાત્રે ડમ્પર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચર પડી જવાથી ડમ્પર હાઈવે રોડ પર સાઈડમાં ઉભું રાખવામાં આવ્યું હતું, ત્યારે ઉભેલા ડમ્પર પાછળ આઇશર ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. જોકે, અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા હતા. બનાવના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં આઇશર ટેમ્પોના કેબીનમાં ફસાયેલ ચાલકના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો અકસ્માતે 2 લોકોના મોતનો ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story