100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર ડિમોલિશન
50 વર્ષથી કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર રીતેના દબાણ
કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા નોટીસ આપાય
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલ પંપ-કારખાનું તોડી પડાયું
રેલવે સ્ટેશન નજીકની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી
સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ. 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત દબાણો દૂર કરાયા છે.
મળતી માહિતી અનુસાર, સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટ, રિંગરોડના વોર્ડ નં. 7, સિટી સર્વે નં. 6ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા બાદ પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા છે. આ જમીન જિલ્લા લોકલ બોર્ડ-સુરતની હતી, ત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે.
વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. મુદ્દત પુરી થતા જિલ્લા પંચાયત સુરતની કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ-અલગ નોટીસ આપાઈ હતી. પરંતુ હાલના કબજેદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી અથવા મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર કરાયેલ 100 કરોડથી વધુના ગેરકાયદેસર દબાણને ફાયર વિભાગ, પોલીસ તંત્ર, વિદ્યુત બોર્ડ સહિત અન્ય સબંધિત વિભાગને સાથે રાખી સુરત જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલીશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યા હતા.