-
સુરત બોગસ ડોક્ટરનું બોગસ સર્ટિફિકેટ કાંડ
-
આરોપીને જામીન માટે આપ્યું હતું સર્ટિફિકેટ
-
હાઇકોર્ટને શંકા જતા તપાસનો કરાયો હતો હુકમ
-
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કૌભાંડ બહાર આવ્યું
-
બોગસ ડોક્ટરની પોલીસે કરી ધરપકડ
સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સની ઘટનામાં આરોપીની જામીન અરજી માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર બોગસ ડોક્ટર શોભીતસિંહ ઠાકોરની ધરપકડ કરી છે.
સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કૌભાંડમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન, આરોપી આદિલ નૂરાની, જે હાલમાં સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તેણે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આદિલ નૂરાનીએ જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેમાં તેની માતા મુનિરા નૂરાનીની તબિયત ખરાબ હોવાનું દર્શાવાયું હતું. માતાને એન્જિયોગ્રાફી કરાવવાની છે. આ માટે આરોપી તરફથી હાઇકોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
હાઈકોર્ટ દ્વારા આ સર્ટિફિકેટની સત્યતા તપાસવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું કે, આ મેડિકલ સર્ટિફિકેટ ખોટું હતું અને તે બોગસ ડોક્ટર શોભીતસિંહ ઠાકોર દ્વારા તૈયાર કરાયુ હતું. શોભીતસિંહ ઠાકોર પાસે કોઈ લાઇસન્સ નથી અને તે ગેરકાયદેસર રીતે “ક્રિષ્ના જનરલ એન્ડ્રોમા હોસ્પિટલ” ચલાવી રહ્યો હતો.
શોભીતસિંહ ઠાકોરે MBBS-MD ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો લગાવી ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યું હતું.સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી બોગસ ડોક્ટર શોભીતસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે, અને તેના પાસેથી વધુ તપાસ કરવામાં આવી રહી છે.