સુરત : તબીબી બેદરકારીના કારણે આધેડનું સારવાર દરમ્યાન મોત થયાનો પરિવારનો આક્ષેપ, પોલીસ તપાસ શરૂ...

ઉધના વિસ્તારના રિક્ષાચાલક આધેડનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી હતી.

સુરત : તબીબી બેદરકારીના કારણે આધેડનું સારવાર દરમ્યાન મોત થયાનો પરિવારનો આક્ષેપ, પોલીસ તપાસ શરૂ...
New Update

સુરતના ઉધના વિસ્તારના રિક્ષાચાલક આધેડનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી હતી. પરિવારજનોએ તબીબ દંપતીની ડિગ્રીને લઈ પણ શંકા વ્યક્ત કરતા ઉધના પોલીસ દ્વારા મૃતક આધેડનું સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવા સાથે તબીબ દંપતીની ડિગ્રીની પણ તપાસ કરવામાં આવનાર છે.

મહારાષ્ટ્ર, પારોળાના બાદરપુરના વતની 45 વર્ષીય ભટુ પાટીલ પરિવાર સાથે ઉધના રોડ નં. ૪ ખાતે નહેરુ નગરમાં રહેતા હતા. રિક્ષા ચલાવી 2 પુત્ર સહિતના પરિવારનું પેટિયું રળતા ભટુ પાટીલને ગત તા. ૧૦મીએ છાતીમાં દુઃખાવો થતા સ્થાનિક વિસ્તારના યાદવ નામના ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરી ભટુ પાટીલને તબિયતમાં સુધારો નહીં જણાતા સાંજે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બીજા દિવસે ડોક્ટરને બદલે તેની પત્નીએ ભટુ પાટીલને સલાઈન ચઢાવી તેમાં ૭થી ૮ ઇન્જેક્શન નાંખ્યા હતા. સલાઈન પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરેલા ભટુ પાટીલને ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરતા પરિવારના સભ્યોએ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

જોકે, સિવિલમાં તબીબી સારવાર મળે તે પહેલા ભટુ પાટીલનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. ભટુ પાટીલની અણધારી વિદાય બાદ પરિવારના સભ્યોએ ડોક્ટર યાદવ અને તેની પત્નીની બેદરકારીના કારણે કુટુંબના મોભીનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો. બન્નેની ડિગ્રીને લઈ પણ પરિવારજનોએ શંકા વ્યક્ત કરી આક્ષેપ કરતા પોલીસ તપાસની માંગ કરી હતી. ઉધના પોલીસે મૃતકનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે ક્લિનીક ચલાવતા તબીબ અને તેની પત્નીની ડિગ્રીની પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગની મદદથી ખરાઈ કરવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમમાં મૃતકના વિશેરાના સેમ્પલ લઈ FSLમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભટુ પાટીલના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે, ત્યારે હાલ તો બનાવ સંદર્ભે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#Surat #gujarat samachar #surat police #ConnectFGujarat #Surat Samachar #SuratCivilHospital
Here are a few more articles:
Read the Next Article