/connect-gujarat/media/post_banners/000753becead05b92cec0a0d326b598d9afc791507a51b5b3a6a110791d48fe0.jpg)
સુરત શહેરના ઉધના વિસ્તારમાં ત્રણ રસ્તા પર આવેલ ફૂટપાથ પાસે નજીક જયેશ મેડિકલની બાજુમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં પોલીસને મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાના નિશાન દેખાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. સ્થાનિક પોલીસ તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સૌપ્રથમ આસપાસ પૂછપરછ કરી મૃતક વિશે માહિતી મેળવી હતી. જેમાં મૃતક 28 વર્ષીય પ્રમોદ પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ પોલીસે ફૂટપાથ પર રહેતા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતા એક ઈસમ હાજર જણાયો ન હતો, જેથી પોલીસે તેની શોધખોળ આદરી હતી. આ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, ગાયબ ઈસમ નંદુરબાર પહોંચ્યો છે. આથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નંદુરબાર પહોંચી તપાસ કરતા ઈમાં ઉર્ફે લબું ભાવિએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, હત્યારાની વધુ પૂછપરછ કરતા મૃતક યુવક ઈમાં પાસેથી જબરજસ્તીથી રૂપિયાની માંગણી કરતા તેમની પાસે રહેલું ચપ્પુ મારી દેતા મોત થયું હતું. આમ સુરત ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને નંદુરબારથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.