સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેલમાં રહીને એક્સટર્નલ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત એક્સટર્નલ કોર્સમાં ડિગ્રી લેનાર વિદ્યાર્થીઓની માર્કશીટમાં પરીક્ષા કેન્દ્રનું નામ નહીં રાખવાનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા એક્સટર્નલ ડિગ્રી કોર્સમાં બી.એ. એમ.એ બી.કોમ અને એમ.કોમના એક્સટર્નલ કોર્સમાં યુનિવર્સિટી સંલગ્ન હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપતા હોય છે. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સુરત શહેરની લાજપોર જેલમાં ગુના હેઠળ સજા કાપતા હોય છે, અને આ વિદ્યાર્થીઓ જેલમાં રહીને જ આ એક્સટર્નલ કોર્ષની પરીક્ષા જેલમાંથી જ આપતા હોય છે, જ્યારે તેમનું રીઝલ્ટ આવે છે, ત્યારે તેમની માર્કશીટમાં યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પરીક્ષા કેન્દ્રનું નામ લખાઈને આવે છે. આ પરીક્ષા કેન્દ્રના નામમાં લાજપોર જેલ લખેલું આવતું હોવાથી આ વિદ્યાર્થીઓ. જ્યારે જેલમાંથી છૂટીને કોઇક નોકરી મેળવવા માટે એપ્લાય કરે છે, ત્યારે નોકરી મેળવવાના સમયે તેમની માર્કશીટમાં લખેલ લાજપોર જેલના કારણે તેમને નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. જેના કારણે યુનિવર્સિટીએ હવેથી એક્સટર્નલના કોર્સમાં ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની માર્કશીટમાં પરીક્ષાના કેન્દ્રનો ઉલ્લેખ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના જણાવ્યા પ્રમાણે હવેથી એક્સટર્નલ કોર્ષમાં પરીક્ષાની હોલ ટીકીટમાં જ કેન્દ્રનું નામ આવશે તેવો નિર્ણય કુલપતિની અધ્યક્ષતામાં બનેલી કમિટી દ્વારા લેવાયો છે.