દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી
નીતિન ગડકરીએ એક્સપ્રેસ હાઈવેનું કર્યું નિરીક્ષણ
મંત્રીએ હાઈવેના ખામીઓ અને સુવિધાઓનું કર્યું નિરીક્ષણ
સારામાં સારી સુવિધાઓ વાહન ચાલકોને મળે તેવા પ્રયાસો
કેન્દ્ર સરકાર ગુજરાતના હાઈવે માટે રૂ.20000 કરોડ આપશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી હતી,અને એક્સપ્રેસ વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે ગડકરીએ ગુજરાતના હાઈવે માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ આપશેની ખાતરી પણ આપી હતી.
ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઇવે પર 35 ટકા કરતાં વધુનાં વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતીકરણના કાર્ય સતત ચાલુ રહે એ જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ–ગોંડલ–જેતપુર તથા અમદાવાદ–ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય એ બાબતે પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે રૂપિયા 20,000 કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી.આ બેઠકમાં NHAI અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
સુરત એરપોર્ટ પર નીતિન ગડકરીનું આગમન થયા બાદ તેઓ તરત જ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્ત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે રવાના થઈ ગયા હતા. તેઓ સુરત જિલ્લાના બે નેશનલ હાઈવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.