Connect Gujarat
સુરત 

સુરત : વિસાવદરમાં AAPના નેતાઓ પર હુમલો કરનારા ભાજપના કાર્યકરો હોવાનો આક્ષેપ

ઇસુદાન ગઢવી અને મહેશ સવાણીના કાફલા પર હુમલો, વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર આપના કાર્યકરોના ધરણા.

X

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિખવાદ શરૂ થઇ ચુકયો છે. બુધવારના રોજ વિસાવદર નજીક આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી અને મહેશ સવાણીના કાફલા પર હુમલો થતાં મામલો ગરમાયો છે. આ હુમલામાં ભાજપના કાર્યકરોએ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં આગામી વર્ષે થનારી વિધાનસભાની ચુંટણી માટે આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સાંત્વના આપવા જન સંવેદના યાત્રા શરૂ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા પર જુનાગઢના વિસાવદર નજીક હુમલો થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થનારા ઇસુદાન ગઢવી અને સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણી કાર્યકરો સાથે લેરીયા ગામે કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઇ રહયાં હતાં. વિસાવદરના લેરિયા ગામે બુધવારે વિસાવદર અને ભેંસાણ પંથકના 50 સરપંચ સહિતના આગેવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો, પરંતુ આપના નેતાઓ પરના હુમલાને કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ જે કારમાં સવાર હતાં તે કારના પણ કાચ તોડવામાં આવ્યાં હતાં. ઘટના બાદ રાજયભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો વિસાવદર પહોંચ્યાં હતાં આરોપીઓ સામે પગલાં ભરવાની માંગ સાથે ધરણા શરૂ કરી દીધાં હતાં. 15 કલાકની વાટાઘાટો બાદ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી હુમલો ભાજપના કાર્યકરોએ કર્યો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

Next Story