સુરત શહેરમાં મોદી રાતથી મેઘરાજએ ધબદાટી બોલાવી છે. અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર ભારે અસર વર્તાઇ રહી છે. શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા.
સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે.
વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે. પાંચ ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીનાં ગરકાવ થયાં છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસવાની સ્થિતિ પણ ઉદભવી છે. તંત્રએ રેસ્ક્યૂ માટે બોટ પણ દોડતી કરી છે.