મકરસંક્રાતિનો તહેવાર નજીક આવતા જ પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનું શરૂ કરી દે છે. જેમાં કાચવાળી કાતિલ દોરીના કારણે કેટલાક નિર્દોષ પક્ષીઓ મોતને ભેટે છે, ત્યારે પતંગની દોરીએ વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે. સુરતના કામરેજ ખાતે ગત મોડી સાંજે નવાગામ રહેતા અને ડાયમંડ નગર આવેલ મિલમાં નોકરી કરતા 52 વર્ષીય બળવંત પટેલનું પતંગની કાતિલ દોરી વાગતા ગળું ચિરાઈ ગયું હતું, ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે તાત્કાલિક કામરેજ સી.એચ.સી ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બળવંત પટેલને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દર્શક મિત્રો... ઉતરાયણ પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે લોકોને સાવચેત રહેવા કનેક્ટ ગુજરાત સહિત જાગૃત નાગરિકો દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે, બહાર જતી વેળા સ્કાફ, મફલર તેમજ રૂમાલ વડે પોતાના ગણાને પતંગની ધારદાર દોરીથી બચાવો, બને એટલું પોતાનું વાહન ધીમે ચલાવો, બ્રિજ પરથી પસાર થતાં હોય તે સમયે ચોક્કસ ધ્યાન રાખો, નાના બાળકોને બાઇક અથવા મોપેડ પર આગળ ન બેસડો, ઉપરાંત બજારમાં મળતા દોરી અવરોધક સળિયા પોતાના વાહન ઉપર લગાડશો, જેથી કરી આપણે પણ સુરક્ષિત રહીએ અને આપણાં પરિવારને પણ સુરક્ષિત રાખીએ...