કિરણ હોસ્પીટલમાં 9 વર્ષીય બાળકી બ્રેઈનડેડ જાહેર થઈ
બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું
મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં તબીબો દ્વારા સર્જરી કરાય
ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
કિશોરીએ બાળકીના પરિવાર સહિત તબીબોનો આભાર માન્યો
સુરત શહેરની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં તબીબો દ્વારા ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉમરની એટલે કે, 9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌપ્રથમ ઘટના હતી. મિસ્ત્રી પરિવારે પોતાની વ્હાલસોયી 9 વર્ષીય દીકરી સ્વ. રિયાના હાથ સહીત ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આ સાથે જ દાન કરાયેલા રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાવ, મુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડૉ. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાનું તે એક માત્ર સંતાન છે. તેના પિતા એડવરટાઈઝીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 15 વર્ષીય કિશોરી અનંતા અહેમદ 30 ઓક્ટોમ્બર 2022ના રોજ દિવસે અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે 11 હજાર કિલોવોટનો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાના કારણે તેનો જમણો હાથ ખભાના સ્તરથી કાપી નાંખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખૂબ જ ઓછું થઇ ગયું હતું.
ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં અંગદાતા રિયા બોબી મિસ્ત્રીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે કિશોરીમાં કરવામાં આવ્યું હતું, તે કિશોરી અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. ખભાના સ્તરના ટ્રાન્સપ્લાન્ટ પછી, તે કિશોરીને તેના જીવનમાં સર્વસ્વ પરત મળી ગયું હોય એવી લાગણી અનુભવતી હતી. કિશોરીના માતા-પિતાએ રિયાના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓના નિર્ણયને કારણે આજે અમારી દીકરીને જમણો હાથ મળ્યો છે, અને તેના જીવનમાં ખુશાલી આવી છે. ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને, અંગદાન કરાવવાનું જે કાર્ય કરે છે, તેને કારણે અમારી પુત્રી જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે ડોનેટ લાઈફ સંસ્થા એક માધ્યમ છે. એ જ રીતે સમાજમાં અંગદાનની વધુને વધુ જનજાગૃતિ ફેલાવી વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુ જીવન આપવું એ સરાહનીય કામગીરી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.