/connect-gujarat/media/media_files/2025/02/27/JlynPw6Ncz8exRVsM72D.jpg)
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ પૂર્ણ થઈ ચૂક્યો છે,જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી હતી. આ દરમિયાન દુ:ખદ સમાચાર સામે આવ્યા છે કે, સુરતના કતારગામમાં રહેતો કમલેશ વઘાસિયા નામનો યુવક છેલ્લા ઘણા દિવસથી મહાકુંભ મેળામાંથી ગુમ છે.
12મી ફેબ્રુઆરીના દિવસે તે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યો ત્યારે તે નદીમાં તણાઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક ફાયર, NDRF સહિતની ટીમ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. જોકે, 14 દિવસથી યુવકની ભાળ ન મળતા પરિવારજનો દ્વારા તેનું બેસણું પણ કરી નાખ્યું છે.
સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા 32 વર્ષીય કમલેશ વઘાસિયાએ તેમની સાથે કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાવવાનું નક્કી કર્યું હતું. બંને 12મી ફેબ્રુઆરીએ શાહી સ્નાન માટે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે પહોંચી ગયા હતા. જ્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશે મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગવાસુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું કહ્યું હતું.
બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા હતા. જ્યાં પહોંચી એક ડૂબકી લગાવે અને બીજો વીડિયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો. પહેલા કમલેશે ડૂબકી લગાવવા સંગમમાં ઉતર્યો હતો. તે ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતો અને બાદ ગુમ થઈ ગયો હતો.
અક્ષયે નજીકમાં ઉભેલા પોલીસકર્મીને જાણ કરી હતી. જે બાદ ફાયર અને NDRFની ટીમને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. આ અંગે પરિવારજનોને જાણ થતા પ્રયાગરાજ પહોંચ્યા હતા.14 દિવસ બાદ પણ કમલેશની કોઈ ભાળ મળી નહોતી.હાલ પરિવાર દ્વારા બેસણું અને બારમું પણ કરી નાખ્યું છે.