શ્વાનને મદદરૂપ બનતા લોકો પર વધુ એક હુમલાની ઘટના
પીપલોદ વિસ્તારની પ્રગતિનગર સોસાયટીમાં થઈ મારામારી
શ્વાનને જમવાનું આપતી મહિલા પર પડોશીઓએ કર્યો હુમલો
નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાનો મહિલાએ કર્યો છે આક્ષેપ
મહિલાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય
શ્વાનને ભોજન પૂરું પાડવું તે કોઈ ગુનો નથી. છતાં શ્વાનને મદદરૂપ બનતા લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક સંવેદનશીલ ઘટના સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપલોદ વિસ્તારમાં બની છે. જેમાં પડોશીઓએ માર માર્યો હોવાનો એક મહિલાએ આક્ષેપ કરો છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી પ્રગતિનગર સોસાયટીમાં શ્વાનને જમવાનું આપતી ફેશન ડિઝાઇનર પર હુમલાની ગંભીર ઘટના બની છે. સમગ્ર મામલે ભોગ બનનાર 37 વર્ષીય મહિલા દામીનીદાસ કિર્તનદાસએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, ગત તા. 9 ઓગસ્ટના રોજ રાત્રિના 12.30 વાગ્યે સોસાયટીમાં આવેલ G બિલ્ડિંગમાં રહેતા કૌશિક પટેલ અને તેમની પત્ની સહિત દીકરી નિકીતા તેણીના ઘરમાં ઘસી આવ્યા હતા, અને “તમે કૂતરાઓને કેમ ખવડાવો છો?” એમ કહી ત્રણેયે બબાલ શરૂ કરી હતી.
બાદમાં ઘરમાં અંદરથી લોક મારી ત્રણેયે તૂટી પડી નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. હુમલાખોર કૌશિકે પાડોશીને વચમાં નહીં પડવા ચેતવણી આપી હતી. છતાં પડોશીઓએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે એક નેપાળી દંપતીએ કહ્યું હતું કે, "લડકી મર જાયેગી.” ત્યારે હુમલો અટક્યો હતો. પરંતુ હુમલા બાદ પણ અભદ્ર ભાષામાં ગાળાગાળી કરી હુમલાખોર પરિવારે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે.