/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-89.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભગુપુર ગામમાં નવરાત્રીની આઠમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સાતમ અને આઠમના દિવસે રામાયણના પાત્રોને જીવંત કરતી ભવાઇ ભજવવામાં આવે છે..
નવરાત્રીના પર્વને આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પર્વ ગણવામાં આવે છે. જગત જનની મા જગદંબાની સાથે રામ અને રાવણની કથા પણ પર્વ સાથે વણાયેલી છે. દશેરાના દિવસે રામના હાથે રાવણનો વધ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ભગુપુર ગામમાં નવરાત્રી તથા દશેરાના પર્વની અનોખી ભાત છોડી જાય તેવી ઉજવણી કરાઇ છે. ગામમાં થતા ગરબામાં સાતમા અને આઠમા નોરતા દરમિયાન ભવાઇ ભજવવામાં આવે છે જેમાં ગામના બે વ્યકતિઓ રામ અને રાવણના પાત્રો બને છે. થોડા સમય પહેલા ગામમાં એક વ્યકતિનું પ્લેગની બિમારીના કારણે મૃત્યુ થયું અને તે સમયે ગામલોકોએ ભવાઇ યોજી હતી અને ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે. બે દિવસ સુધી રામ અને રાવણ વચ્ચે યુધ્ધ થાય છે. આ ઉજવણીની વિશેષતા એ છે રાવણ પોતાના હાથમાં લાકડી રાખે છે અને પ્રસાદીના સ્વરૂપમાં લોકોને લાકડી ફટકારે છે. લોકો પોતાના રોગો દુર કરવા માટે બાધા રાખતા હોય છે. સામાન્ય રીતે દશમના દિવસે રાવણનું દહન કરાતું હોય છે પણ આ ગામમાં નોમના દિવસે રાવણ દહન થાય છે. બે દિવસ સુધી ચાલતી ભવાઇને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ ઉત્સવને કારણે ગામની અંદર જે રોગચાળો હતો એ દુર થયો હોવાથી લોકોએ આ પરંપરાને જાળવી રાખી છે.