21મી સદી ટેક્નોલોજીની સદી છે, ત્યારે ટેક્નલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર પહોંચી છે. આ વાત છે, તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાના બાલંબા ગામની. જ્યાં CM ડેશબોર્ડના માધ્યમથી આદિવાસી વિસ્તારના દિવ્યાંગને વ્હીલચેર, એસ.ટી. બસનો પાસ અને પરિવારને મા કાર્ડ પ્રાપ્ત થયું છે.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજિત 130 કિ.મી.ના અંતરે આવેલ બાલંબા ગામમાં ખેતીકામ કરી ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો રહે છે. તાપી નદીના તટ પ્રદેશમાં રહી માત્ર ખેતીવાડી કરતા અહીંના લોકો ખૂબ જ ભોળા અને નિખાલસ સ્વભાવ ધરાવે છે. દૂરના અંતરિયાળ વિસ્તાર ધરાવતા અહીંના લોકોનું જીવન ખૂબ જ હાડમારીઓથી ભરેલું છે, ત્યારે બાલંબા ગામમાં માંડ 2 વીઘા જમીનમાં ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા રમણ વસાવે, તેમના પત્ની મનીષા વસાવે તેમજ એક પુત્ર રિતિક સાથે રહે છે. રમણભાઈનો પુત્ર રિતિક નાનપણથી જ 100 ટકા વિકલાંગતા ધરાવે છે. કુદરત પણ માણસની પરીક્ષા લેતી હોય તેમ છેલ્લા 2 વર્ષથી તેમના પત્ની મનિષાબેનની પણ તબિયત ખરાબ રહેતા સારવાર માટે નાનામોટા દવાખાનાઓમાં જતા હતા. સરકારની યોજનાઓની જાણકારીના અભાવે રમણભાઈ ખૂબ જ કઠીનાઈ ભરેલું જીવન જીવતા હતા. એક બાજુ વિકલાંગ પુત્ર અને બીજી બાજુ પત્નીની સારવારનો ખર્ચ આવી પડતા રમણભાઈ મુંઝાઈ ગયા હતા.
સરકારની સહાય અંગે રમણભાઈએ જણાવ્યું હતું કે, મારા દીકરાને સમાજ સુરક્ષા કચેરી તરફથી સહાય મેળવવા માટે અમે અરજી કરી હતી. અમે સહાયની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત CM ડેશ બોર્ડ સાથે અમારો સંપર્ક થયો અને પછી તો શું..! ત્વરિત મારા પુત્રને સમાજ સુરક્ષા કચેરી તરફથી વ્હિલચેરની સહાય મળી. સાથે સાથે ગુજરાત સરકારની એસ.ટી. બસની મુસાફરી માટે વિનામૂલ્યે એસ.ટી. બસનો પાસ પણ મળી ગયો. આ દરમિયાન મારી પત્ની મનિષાબેનને કીડનીમાં તકલીફ થતાં અમો સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયા હતા. જ્યાં રૂપિયા 40,000 જેટલો ખર્ચ થયો હતો. આર્થિક મુશ્કેલીના કારણે રમણભાઈ ખૂબ ચિંતિત હતા. પરંતુ સરકાર મને આરોગ્ય માટે પણ મદદ કરશે એની તેઓને ખબર જ ન હતી, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં વ્યારાની જનક હોસ્પિટલમાંથી જાણકારી મળી કે, નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બિમારી સામે સરકારની મા કાર્ડ યોજના અમલમાં છે. જેનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ વગેરે વિગતો આપતા મા કાર્ડ પણ મળી ગયું છે. તેની મદદથી પત્નીની સારવાર વિનામૂલ્યે કરાવી હતી. ખરેખર ગરીબ પરિવારની વ્હારે સરકાર આવી અને ખરા સમયે મદદરૂપ બની જેના માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.