વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી રહેણાંક મકાનોની બહાર અથવા ગેલેરીમાં રાખેલા મોંઘા બુટ-ચંપલની ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુજરાત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં અને સોસાયટીઓમાં મોંઘા બુટ-ચંપલ ચોરી કરી જવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી પણ મોંઘા બુટ-ચંપલની ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વાપીના ચલા વિસ્તારમાં V2 સિગ્નેચર બિલ્ડીંગમાંથી 2 થેલા ભરી તસ્કરે જુત્તાની બિન્દાસ ચોરી કરી હતી. જોકે, જુતા ચોરીની સમગ્ર ઘટના બિલ્ડીંગ પરિસરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જુત્તા ચોરે બિલ્ડીંગના બીજા માળથી લઈ 9મા માળ સુધીના મકાનોની બહાર રાખેલા મોંઘા જુત્તા ચપ્પલની ચોરી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનોખા તસ્કરો ઘરની બહાર કે, પાર્કિંગમાં રાખેલા કિંમતી ફૂટવેરને નિશાન બનાવીને ફરાર થઈ જાય છે, ત્યારે સોસાયટી કે, બિલ્ડીંગ સિક્યુરિટી તેમજ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.