જાપાનની કરન્સી યેન છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકન ડોલર સામે સતત નબળી પડી રહી હતી. યેન લગભગ ચાર દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચતા વૈશ્વિક નાણાકીય બજારોમાં અસ્થિરતા વધવાની ચિંતા ઊભી થઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા અને જાપાને વિદેશી વિનિમય (Foreign Exchange) બજારમાં દુર્લભ ગણાતું સંયુક્ત હસ્તક્ષેપ (Joint Currency Intervention) કર્યું છે.
શું કર્યું અમેરિકા અને જાપાને?
અહેવાલો મુજબ અમેરિકી ટ્રેઝરીએ ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂયોર્ક મારફતે યેન ખરીદવા માટે યુરોનું વેચાણ કર્યું, જ્યારે જાપાને પણ બજારમાં યેનની ખરીદી કરીને પોતાની કરન્સીને ટેકો આપ્યો હતો. સામાન્ય રીતે અમેરિકા કરન્સી બજારમાં સીધો હસ્તક્ષેપ કરતું નથી, તેથી આ પગલાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.હસ્તક્ષેપ બાદ યેનમાં ઝડપથી સુધારો જોવા મળ્યો અને ત્રણ ટ્રેડિંગ સેશનમાં યેને લગભગ 5 ટકા સુધી મજબૂતી નોંધાવી હતી.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર યેનમાં સતત ઘટાડો માત્ર જાપાન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે જોખમી બની શકે છે.નબળા યેનને કારણે રોકાણકારો જાપાનમાંથી ઓછા વ્યાજે લોન લઈને અન્ય દેશોના શેરબજારો અને બોન્ડમાં રોકાણ કરે છે. તેને ‘કેરી ટ્રેડ’ (Carry Trade) કહેવામાં આવે છે. જો યેન અચાનક મજબૂત બને તો આવા રોકાણકારો ઝડપથી પોતાની મૂડી પાછી ખેંચે છે, જેના કારણે વૈશ્વિક શેરબજારોમાં ભારે વેચવાલી અને અસ્થિરતા સર્જાઈ શકે છે.અમેરિકા અને જાપાનના સંયુક્ત પગલાનો હેતુ આવી સ્થિતિને ટાળવાનો અને નાણાકીય સ્થિરતા જાળવવાનો છે.
ભારત પર શું અસર થશે?
ભારત માટે તેની અસર મુખ્યત્વે પરોક્ષ રહેશે.જો યેન મજબૂત થતાં રોકાણકારો કેરી ટ્રેડમાંથી બહાર નીકળશે તો ભારત સહિતના ઉભરતા બજારોમાંથી વિદેશી રોકાણ (FPI) થોડા સમય માટે ઘટી શકે છે. તેની અસરરૂપે ભારતીય શેરબજારમાં અસ્થિરતા વધી શકે છે અને રૂપિયો પણ દબાણમાં આવી શકે છે.
બીજી તરફ વૈશ્વિક કરન્સી બજારમાં સ્થિરતા આવવાથી ભારત માટે લાંબા ગાળે સકારાત્મક અસર થઈ શકે છે. જાપાન ભારતના સૌથી મોટા રોકાણકાર દેશોમાંનો એક છે અને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન, મેટ્રો, ઔદ્યોગિક કોરિડોર તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં તેનું મહત્વનું યોગદાન છે. તેથી જાપાનની આર્થિક સ્થિરતા ભારત માટે પણ લાભદાયી માનવામાં આવે છે.
