સંત શ્રી જલારામ બાપાનો જન્મ દિવસ કે, જન્મ જયંતિ કારતક સુદ ૭ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે, ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો ખૂબ જોવા મળે છે. જલારામ જયંતિના દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ભવ્ય ઉત્સવ ઉજવાય છે.
જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે, જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમ્યાન રહેતા હતા. જોકે, આજ દિન સુધી તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ પણ મુકવામાં આવી છે. અહી સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દંડો પણ જોઈ શકાય છે. પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ, જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટીશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે. સમગ્ર ભારતનું આ એકમાત્ર એવું દેવસ્થાન છે કે, જ્યાં કોઈપણ જાતનું દાન લેવામાં આવતું નથી, ત્યારે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે તેમના શ્રીચરણોમાં કોટિ કોટિ નમન સહ આજના શુભ દિવસની કનેક્ટ ગુજરાત તરફથી સૌને હાર્દિક શુભકામનાઓ…
