અમેરિકાના 30થી વધુ રાજ્યોમાંથી 218 ગુજરાતી યુવક-યુવતીઓ જીવનસાથી પસંદ કરવા ઉમટ્યા
અમેરિકાના એટલાન્ટા સિટીમાં તા.10-11 ઓગસ્ટે સૌ પ્રથમ એવું ગુજરાતી હિન્દુ સમાજનું સૌથી મોટું જીવનસાથી પસંદગી સંમેલન ગોકુલધામ હવેલી ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું. અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતી સમાજની એક્તાને ચાર ચાંદ લગાડતા આ સંમેલનમાં અમેરિકાના 30 થી વધુ રાજ્યોમાંથી 218 ગુજરાતી યુવક-યુવતીઓ તેમના જીવનસાથી પસંદ કરવા ઉમટી પડ્યા હતા.
એટલાન્ટા સિટીમાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શનથી ગોકુલધામ હવેલીનું નિર્માણ થયું છે. આ ગોકુલધામ હવેલી ખાતે સંસ્કાર,સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો સમયાંતરે યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતી હિન્દુ સમાજના યુવક-યુવતીઓ માટે ગોકુલધામ હવેલી,બ્રાહ્મણ સમાજ ઓફ જ્યોર્જિયા તેમજ ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-એટલાન્ટાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી જીવનસાથી કન્વેન્શનનું પહેલી વખત આયોજન કરાયું હતું.
ગોકુલધામ હવેલી-એટલાન્ટા ખાતે આયોજિત આ જીવનસાથી પસંદગી સંમેલનમાં અમેરિકાના 30 થી વધુ રાજ્યોમાંથી તેમજ ભારત, યુ.કે. અને દુબઇથી લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ તેમના માતા-પિતા સાથે આવી પહોંચ્યા હતા. શુક્રવારે યુવક-યુવતીઓ એકબીજાથી પરિચિત થાય તે માટે ભવ્ય આઇસ બ્રેકીંગ સેરેમની સાથે કન્વેન્શનનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ મનોરંજન હેતુ ડાન્સ અને ગરબાના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે શનિવારે યુવક-યુવતીઓનો પરિચય, તેમજ યુવક-યુવતીઓ એકબીજાથી માહિતગાર થઇ શકે અને પ્રશ્નોનું સમાધાન કરી શકે તે હેતુથી વન ઓન વન મિટિંગનું અાયોજન કરાયું હતું. આ ઉપરાંત યુવક-યુવતીઓ અને તેમના માતા-પિતાના પરિચય હેતુ ગેટ ટુ ગેધર રાખવામાં અાવ્યું હતું.
ગુજરાતી હિન્દુ સમાજની એક્તા માટે યોજાયેલા આ જીવનસાથી કન્વેન્શનની સફળતા માટે હેતલ પટેલ, અવની જાંબુડી, અમી પટવા, હેમંત ઠાકર, પૂનમ ઠાકર, જયંતિ પટેલ. નિશાબહેન પટેલ, રાજુ પટેલ ઉપરાંત ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ, સેક્રેટરી તેજસ પટવા, કિન્તુ શાહ, હેતલ શાહ સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.