/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/Untitled-1-copy-7-1.jpg)
હોટલમાં કામ કરતા કર્મચારી પાસેથી કુલ રૂપિયા 1.44 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા શહેરનાં અલકાપુરી વિસ્તારમાં આવેલી 4 સ્ટાર ગણાતી એક્ષપ્રેસ હોટેલમાં એક કર્મચારી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરતો હતો. જેને ડીસીબી પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 87 હજારની કિંમતનો વિદેશી દારૂ મળી કૂલ રૂપિયા 1.44 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાની 4 સ્ટાર હોટલ એક્ષપ્રેસમાં એક કર્મચારી દ્વારા હોટલનાં લગેજ રૂમમાં દારૂનો જથ્થો સંતાડી ગેરકાયદે વેચાણ કરવામાં આવતો હતો. જેની જાણ ડીસીબી પોલીસને થતાં ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. જેની ચોક્કસ બાતમી મળતાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. દરમિયાન ગત સાંજે વિદેશી દારૂની ડિલિવરી આપવા જતાં હોટલો કર્મચારી ઝડપાયો હતો. તેના નામની પુછપરછ કરતાં ઉસ્માનગની સુલેમાન દુધવાલા હોવાનું જાણવા મળ્યું હતું. જે સંજુ નામનાં વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો મંગાવી ઉંચા ભાવે અન્યોને વેચતો હતો.
પોલીસે ઉસ્માન પાસેથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની 22 બોટલ તથા બિયરની 6 બોટલ મળી રૂપિયા 89,900નો દારૂનો જથ્થો, ગ્રાહક પાસેથી મેળવેલા રૂપિયા 56150 મળી કુલ રૂપિયા 1,44,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે તેને માલ સપ્લાય કરનાર સંજુ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી.