/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/Untitled-1-copy.JPG-2-2.jpg)
કરજણ - આમોદ માર્ગ પર ત્રણ ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય યુવાનોનાં મોત
વડોદરા જિલ્લાના કરજણ થી આમોદને જોડતા માર્ગ ઉપર મિયાગામ નજીક આજે સવારે ત્રણ ટ્રક અને બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ત્રણેય યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મોતને ભેટેલા યુવાનો પૈકી બે સગા ભાઈ હોય પરિવાર ઉપર આભ ફાટ્યું હતું.
ઘટના અંગેની પ્રાપ્ત માહિતી ચકલાદ ગામના બે સગા ભાઇઓ વિરેન કિશોરભાઇ લોનખેડે ઉ.વ. ૨૪ રહે. ચકલાદ તા.આમોદ, જીતેન્દ્રભાઇ કિશોરભાઇ લોનખેડે ઉ.વ. ૩૦ રહે.ચકલાદ, તેમજ પ્રવિણ સોમાભાઇ વસાવા ઉ.વ. ૧૮ રહે. સરભાણનાઓ બાઈક લઈને નીકળ્યા હતા. કરજણ - આમોદ માર્ગ પર આવેલા મિયાગાન નજીકથી પસાર થતાં પાછળથી આવી રહેલી એક ટ્રક નંબર એમ પી ૪૫ એચ ૬૫૫૦ ના ચાલકે યુવાનોની બાઈકને અડફેટે લીધી હતી. જેથી બાઈક ઉપર સવાર ત્રેણેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ નીપજ્યા હતા.
ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈકનો ખુરદો બોલી ગયો હતો. ત્રણેય યુવાનોના ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહો પડેલાં જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં કાળનો કોળીયો બનનાર ત્રણ યુવકોમાંથી વિરેન તથા જીતેન્દ્ર બંને સગાભાઇઓ હોવાનું જાણવા મળ્યું હતું.
એક જ પરિવારના બે લાડકવાયા કાળનો કોળિયો બની જતા મૃતક સગાભાઇઓના પરિવારજનો પર જાણે કે આભ તૂટી પડ્યું હતું. આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર ચકલાદ તથા સરભાણ ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. અકસ્માત સર્જનાર ટ્રકના ચાલકો ટ્રકને ઘટના સ્થળ પર મુકી ફરાર થઇ ગયા હતા. અકસ્માતની જાણ થતા લોકટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા. અકસ્માત સંદર્ભે કરજણ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી ફરાર થઇ ગયેલા ટ્રક ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.