વડોદરા: હર..હર.. મહાદેવના નાદ સાથે ભવ્ય કાવડ યાત્રા નીકળી

New Update
વડોદરા: હર..હર.. મહાદેવના નાદ સાથે ભવ્ય કાવડ યાત્રા નીકળી

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેરમાં હર..હર.. મહાદેવના નાદ સાથે ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી. સવા ચાર લાખ અમેરીકન ડાયમંડના શિવલીંગ સાથે નીકળેલી કાવડ યાત્રાએ આગવું આકર્ષણ જમાવ્યું હતું. વહેલી સવારે ખંડારાવ માર્કેટ પાસે આવેલા સુપ્રસિધ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો.

વડોદરા શહેર અને દેશ અને સમાજનું રક્ષણ થાય તેવા આશય સાથે શહેરમાં છેલ્લા 6 વર્ષથી વડોદરા કાવડ યાત્રા સમિતીના દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવે છે. ગંગા, નર્મદા, મહિ, વિશ્વામિત્રી, સિંધુ અને માનસરોવરના પવિત્ર જળ સાથે નીકળેલી કાવડ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નવનાથ મહાદેવ મંદિરના માર્ગ ઉપર 31 કિ.મી. ફરી હતી. અને નવનાથ શિવાલયો ઉપર વેદોક્ત મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો. તે બાદ 101 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ 20 હજાર લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાવડ યાત્રામાં જોડાયેલા શ્રધ્ધાળુઓ માટે માર્ગમાં 185 સ્થળોએ આઇસ્ક્રીમ, દૂધ, છાસ અને કેળા, શરબત, પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શિવજીની આરાધના કરતા ભજન-કિર્તન અને ડી.જે. સાથે નીકળેલી ભવ્ય કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હર..હર.. મહાદેવના નાથ સાથે નીકળેલી કાવડ યાત્રાને પગલે ઠેર-ઠેર ટ્રાફિક જામ થઇ ગયો હતો. વહેલી સવારે ટ્રાફિક જામ થતાં સ્કૂલ તેમજ નોકરી ધંધાર્થે નીકળનાર લોકો અટવાઇ પડ્યા હતા. જોકે, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ જતા ટ્રાફિક પોલીસ પણ લાચાર બની ગઇ હતી.

નવનાથ મહાદેવ કાવડ યાત્રાના સમિતીના અગ્રણી નિરજ જૈને જણાવ્યું હતું કે, આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ખંડેરાવ માર્કેટ પાસેથી છ પવિત્ર નદીઓના જળ લઇને નીકળી હતી. અને શહેરની રક્ષા કરતા રામનાથ (ગાજરાવાડી), ઠેકરનાથ (અજબડી મીલ), મોટનાથ (હરણી), કામનાથ (કમાટીબાગ પાછળ), ભીમનાથ (ભીમનાથ બ્રિજ), કાશિવિશ્વેશ્વર (પ્રોડક્ટીવીટી), જાગનાથ (કલાલી) અને કોટનાથ (વડસર ગામ) મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાન મહાદેવ પાસે વડોદરા અને દેશની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાવડ યાત્રામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાયા હતા.

Latest Stories