/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-132.jpg)
નર્મદા અને મહી નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતીના પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાઠાંના ત્રણ તાલુકાના 25 ગામો અને મહી નદી કાંઠાના સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પાદરા તાલુકાના ડબકા ગામના ભાઠાના 60 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના છેવાડેથી પસાર થતી નર્મદા નદી અને મહી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠા વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા મહી નદીના વડોદરા ગ્રામ્યના અનગઢ, સિંધરોટ, સાવલી તાલુકાના ભાદરવા, પાદરા તાલુકાના ડબકા, મુજપુર સહિતના ગામોને સલામતીના ભાગરૂપે સતર્ક રહેવા સુચના આપી દેવામાં આવી છે. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં લોક માતા નર્મદા અને મહી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આસપાસના ગામના લોકોના ટોળેટોળા સિંધરોટ બ્રિજ, મુજપુર બ્રિજ ઉપર ઉમટી પડ્યા છે.
બીજી બાજુ પાદરા તાલુકાના ડબકાના તળીયા ભાઠામાં વસતા 25 પરિવારના 60 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તળીયા ભાઠા વિસ્તારમાં હજુ પણ 20 જેટલા વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવાની તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે. સંભવતઃ કોઇપણ સ્થિતીને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા મામલતારને તાકીદ કરી દેવામાં આવી છે. ડબકા ગામના સરપંચ મહેશભાઇ જાદવ, મુજપુર ગામના સરપંચ રણજીતસિંહ પઢીયારે અસરગ્રસ્તોને જરૂરી વ્યવસ્થા પૂરી પાડી હતી.
મહી નદીની જેમ નર્મદા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જિલ્લાના શિનોર તાલુકાના 11, ડભોઇ તાલુકાના 3 અને કરજણ તાલુકાના 11 ગામો મળી કુલ્લે 25 ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડભોઇ તાલુકાના ચાંદોદ, શિનોરના સાધલી ગામના કાંઠાના વિસ્તારોમાં નર્મદા નીરના પાણી ગમે ત્યારે પ્રવેશે તેવી સ્થિતી હોવાથી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નર્મદાના ધસમસતા નિરને જોવા માટે કાંઠાના ગામના લોકો નદી કિનારે ઉમટી પડ્યા છે. જોકે, સાવચેતીના ભાગરૂપે નદી પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.