/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-177.jpg)
દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સહિત દેશના વિવિધ પ્રાંતોમાં એક સપ્તાહ સુધી સેવા સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલ સેવા સપ્તાહ અંતર્ગત વડોદરાનાં સાંસદ રંજન ભટ્ટના અનુદાનમાંથી ૬૯ જેટલા દિવ્યાંગોને કૃત્રિમ પગ દાન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૬૯માં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ૬૯ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. વડોદરા તેમજ આસપાસનાં વિસ્તારોમાં રહેતા ૬૯ જેટલાં દિવ્યાંગો કે જેઓ પોતાના પગ અકસ્માત તેમજ જ અન્ય કારણોસર ગુમાવી ચુક્યા હતા, તેમને કૃત્રિમ પગ તેમજ હાથ આપવામાં આવ્યા હતા. નાના બાળકો સહિત ૬૦ વર્ષની વય ધરાવતા દિવ્યાંગોને કૃત્રિમ પગ આપવામાં આવ્યા હતા. ડો. વિરેન્દ્ર શાંડીલ્યની નિગરાની હેઠળ દિવ્યાંગોને કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે પોતાનો પગ ગુમાવનરા દિવ્યાંગોને એક નવું જીવન મળ્યું છે. ૬૯ જેટલાં દિવ્યાંગો હવે પોતાની મેળે ચાલી શકશે, દોડી શકશે તેમજ દિવ્યાંગ યુવતીઓ ગરબા પણ રમી શક્શે. ઉપસ્થિત ડોક્ટરે દિવ્યાંગોને જીવન ભર કોઈ પણ મુશ્કેલી થાય તો તેને દુરસ્ત કરી આપવાની ખાતરી આપી હતી. સમગ્ર સમારોહ દરમ્યાન પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ધારાસભ્યો, કોર્પોરેટરો, શહેર ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.