/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/53ed0094-a560-4cdf-9506-2e54f8a1728a.jpg)
વડોદરાના અક્ષર ચોક બ્રિજ ઉપર શહેરમાં સેવા પૂરી પાડતી વીટકોસ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે બસમાં સવાર કોઇ મુસાફરોને કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ, ટેન્કર ધડાકાભેર બસ સાથે ભટકાતા બસમાં સવાર મુસાફરોના જીવ એક સમયે તાળવે ચોંટી ગયા હતા.
વડોદરા શહેરના અક્ષર ચોકથી અટલાદરાને જોડતા બ્રિજ ઉપરથી મુસાફરોને લઇ અક્ષર ચોકથી ભાયલી તરફ જતી વીટકોસ સીટી બસનો ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી સવાર બસ સાથે ટેન્કર ધડાકાભેર ભટકાતાની સાથે જ બસમાં સવાર મુસાફરો ચીસ પાડી ઉઠ્યા હતા. સદભાગ્યે મુસાફરોને કોઇ ઇજા પહોંચી ન હતી. પરંતુ, એક સમયે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અકસ્માત સર્જાતા જ ટેન્કર ચાલક ટેન્કર સ્થળ પર મુકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત થયેલ સીટી બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી બીજી બસમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જોકે, બનાવની જાણ પોલીસને થતાં તુરંત જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી રસ્તો ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
અત્રે નોંધનીય છે કે, વડોદરા મહાનગર સેવા સદનના એન્જિનીયરીંગ વિભાગ દ્વારા કેટલાંક બ્રિજ એવા બનાવ્યા છે. જે બ્રિજ ઉપર અવાર-નવાર અકસ્માતો બનતા રહે છે. જે પૈકી એક અક્ષર ચોકથી અટલાદરાને જોડતો બ્રિજ છે. આ બ્રિજ વાય આકારમાં બનાવેલ છે. બ્રિજ ઉપરથી વડસર તરફ પણ જવાય છે. આ બ્રિજ ઉપર ટ્રાફિક પોલીસ પોઇન્ટ પણ મુકવો પડે છે. આજ પ્રકારે એક બ્રિજ લાલબાગ બ્રિજ છે. અકસ્માતને નોંતરતા વિચીત્ર બનાવવામાં આવેલા ઓવર બ્રિજો સામે કોંગ્રેસ દ્વારા જેતે સમયે આંદોલન પણ કરવામાં આવ્યા હતા. પરંતુ, સત્તાધારી પક્ષ સામે કોંગ્રેસના આંદોલનનું સૂરસુરીયું થઇ ગયું હતું.