ડભોઇમાં પિતા સમાન કાકાની હેવાનિયત
વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા કાકા બન્યો હેવાન
સગીર યુવતીને બનાવી હવસનો શિકાર
કાકા દીકરી સમાન સગીરાનું ચીરહરણ કરતો
પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ
ડભોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઇ હતી. તે દરમિયાન હવસખોર લાલા વસાવાએ સગીરાની એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું હતું. અને કોઇને આ બાબતની જાણ ન કરવા માટેની ધમકી આપી હતી. તે બાદ હવસખોરે ત્રણ દિવસ પૂર્વે પુનઃ એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને સગીરાની મરજી વિરુદ્ધ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. તે દિવસે પણ હવસખોર લાલા વસાવાએ સગીરાને કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી હતી.
કાકાની હવસનો ભોગ બનેલી સગીરા ઘરમાં રડતી હતી. તે દરમિયાન ઘરે આવી પહોંચેલી તેની નાની અને માતા ઘરે આવતા તેને ઘટના અંગે જણાવ્યું હતું.પોતાની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર પતિ તરીકે રહેતા લાલા નગીન વસાવા સામે ફરિયાદ નોંધાવવા માટે માતા સગીરાને લઈને ડભોઇ પોલીસ મથકમાં પહોંચી હતી. પરંતુ ડભોઇ પોલીસે સગીરા અને તેની માતાને સમાજમાં બદનામી થશે તેવી વાત કરી હતી. અને ફરિયાદ ન કરવા સમજાવી હતી. ઉપરાંત લાલા નગીન વસાવાને પોલીસ મથકમાં બોલાવી કાયદાની ધમકી આપીને રવાના કરી દીધો હતો. પરંતુ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી.
ડભોઇ પોલીસ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની ફરિયાદ ન દાખલ કરતા આખરે સગીરા અને તેની માતા બુધવારે જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદને લેખિત રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને ફરિયાદ કરવાની માંગણી કરી હતી. દરમિયાન એસ.પી. રોહન આનંદે ડભોઇ પોલીસને દુષ્કર્મનો ભોગ બનેલી પીડીતાની ફરિયાદ દાખલ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપતા આખરે ડભોઇ પોલીસના પી.આઈ. કે. જે. ઝાલાએ સગીરાની ફરિયાદના આધારે હવસખોર લાલા નગીન વસાવાની સામે દુષ્કર્મનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.