Connect Gujarat
સુરત 

“2 રૂપિયામાં સિગારેટ નહીં આવે” કહેતા 2 મિત્રો વચ્ચે માથાકૂટ, એક મિત્રની હત્યા તો હત્યારો મિત્ર પોલીસ ગિરફ્તમાં...

સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ તડકેશ્વર નગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.

X

સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ તડકેશ્વર નગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સોસાયટીમાં જ રહેતા 2 મિત્રો વચ્ચે સિગારેટ લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યાની ઘટનામાં પ્રવર્તી હતી. જેમાં ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી હત્યારા મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ભટાર વિસ્તાર સ્થિત તડકેશ્વર નગર સોસાયટીમાં રહેતા આકાશ બાબાસાહેબ વાઘમારે અને દીપ રવિન્દ્ર પટેલ એકબીજાના મિત્રો થાય છે. બન્ને મિત્રો વચ્ચે ગતરોજ મોડી રાત્રે સિગારેટ લઈ આવવા બાબતે માથાકૂટ થઈ હતી. મિત્ર આકાશે સિગારેટ લઈ આવવા માટે પોતાના મિત્ર દીપ પટેલને 2 રૂપિયા આપ્યા હતા. પરંતુ 2 રૂપિયામાં સિગારેટ નહીં આવે તેવું જણાવતા બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા બન્ને વચ્ચે તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલાની ઘટના બની હતી. જેમાં આકાશને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે તેના અન્ય મિત્રો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યારે હુમલાની ઘટનામાં હુમલાખોર દીપ પટેલને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ દીપ પટેલ સ્થળ પરથી ભાગી છુટ્યો હતો. તો બીજી તરફ. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આકાશ વાઘમારેનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. બનાવના પગલે ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ વધુ તેજ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્ર દીપ પટેલની ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દીધો હતો.

Next Story