વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને મગરોના આશ્રય સ્થાન તરીકેની ઓળખ પણ મળી છે,શહેરમાં આવેલા પૂર બાદ હજી પણ મગરનો ભય શહેરવાસીઓ માંથી દૂર થતો નથી,કારણ કે હજુ પણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેર અને જિલ્લામાં મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર એક મગર આવીને બેસી ગયો હતો,જેથી પરિવાર ગભરાઈ ગયો હતો અને આસપાસના લોકોના ટોળા મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા. સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમ અને વન વિભાગની ટીમે મળીને 7 ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો હતો.બીજી તરફ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ખાતેથી 4 ફૂટના મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.
જાણવા મળ્યા મુજબ વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જો કે આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.મગર શિડ્યુલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60 થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઉઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઈ નદીમાં કપડા કે વાસણ ધોતા હોય અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે.